પંચવર્ષીય યોજના બ્રેઈન ચાઈલ્ડ કોનું હતું?

આપણે ભારતીયની એક ખાસિયત છે. ઘરઆંગણાના હીરની કિંમત ન થાય જ્યાં સુધી એને વેસ્ટર્ન વર્લ્ડ સત્કારે નહીં.ભલું થજો ગૂગલનું કે એ આપણા ભારતીયો જેવું નગુણું નથી. એ તો કોઈની જન્મજયંતિ હોય કે મૃત્યુતિથિ કે પછી કોઈ યાદગાર દિન પ્રજ્ઞાવાન લોકોને તેમના કામને અંજલિ આપવાનું ચૂકતું નથી. એ પછી ગાંધીજી હોય કે ટાગોર, સરોજિની નાયડુ હોય કે ભારતની સહુ પ્રથમ લેડી ડોક્ટર ડો. અસીમા ચેટર્જી , બેગમ અખ્તર ,ઉસ્તાદ અલ્લારખાં આ તમામના ડૂડલ ગૂગલ એક દિવસ માટે મૂકી ચૂક્યું છે. એ પછી  દર ભારતીય દર વર્ષની જેમ આ વખતે પણ 15મી સપ્ટેમ્બર આવી ને ગૂગલે ડૂડલે મૂક્યું પણ  ભારતીયોને તો યાદ પણ નહીં  હોય આ વિશ્વસરૈયા , હા, નાનપણમાં જયારે માયસોરનો વૃંદાવન ગાર્ડન જોઈને આખો ફાટી જતી ને એના આર્કિટેક્ટનું નામ સરખું ઉચ્ચારાઈ શકતું એ મોક્ષગુન્દમ વિશ્વસરૈયા..


Sir MV; 15 September 1861 – 12 April 1962)



લોકોને હવે ખાસ કરીને નવી પેઢી આ નામથી અજાણ હશે પણ એ વિચક્ષણ પ્રતિભાને એમ વિસરી શકાય નહીં.
જયારે ભારત બ્રિટિશ ઇન્ડિયા કહેવાતું એ સમયની વાત છે. રાતના ટ્રેન સેંકડો ઉતારુને લઈને દોડી રહી હતી. બોગીમાં એક નવયુવાન સૂતો હતો અને અચાનક બેઠો થઇ ગયો. હજી કોઈ કઈંક સમજે પહેલા એને ચેન ખેંચી. રેલવેમાં ચેન પુલિંગનો  શું અર્થ થાય સહુને ખબર છે. ટ્રેન થંભી ગઈ. અધિકારીઓ દોડી આવ્યા  . ચેન ખેંચનારે  દંડ અને જેલ બંને ભોગવવા પડે. પેલા યુવાને કહ્યું કે મેં કોઈ કારણ વિના ચેનપુલિંગ નથી કર્યું  . આગળ પાટામાં ક્રેક છે. ટ્રેનને અકસ્માત નડી શકે છે ને એનો અર્થ સેંકડો લોકોના મોત.
એ યુવાનને કોઈ સપનું નહોતું આવ્યું. સ્વાભાવિક છે એન્જીન ડ્રાઈવરથી લઈ ગાર્ડ ને ઉતારું ચિડાયા.પેલો યુવાન ગંભીર હતો. કહ્યું કે આમ ગુસ્સે થવાને બદલે પાટા ચેક કરો. 
એ જે આત્મવિશ્વાસથી બોલ્યો એ જોઈને પાટા ચેક કરાવાયા ને સાચે એક મોટો અકસ્માત થતા બચી ગયો.
એ યુવકને કઈ રીતે જાણ થઇ કે પાટા તૂટેલા છે ? આ પ્રશ્ન સહુને થયો હતો ને જવાબ આશ્ચર્યચકિત કરી દે એવો : 
ટ્રેન  દોડતી હોય ત્યારે એના અવાજમાં જે લય પડઘાતો હોય તે અચાનક જ બદલાઈ  ગયો હતો. એના પરથી આ યુવકને લાગ્યું કે નક્કી પાટા તૂટ્યા હોય શકે.
આ વિચક્ષણ યુવાન પાછળથી ઓળખાયો એમવીના નામે, વિશ્વપ્રસિદ્ધ આર્કિટેક્ટ મોક્ષગુન્દમ વિશ્વસ્વરૈયા  .
આજથી વર્ષો પૂર્વે જયારે  જે કોઈ સાઉથ ઇન્ડિયાની ટુર પર જતા એમાં બે નામ તો હોય જ. એક માયસોર પેલેસ, વૃંદાવન ગાર્ડન ને ઉટી , આ વૃંદાવન  ગાર્ડન એટલે વિશ્વશવરૈયાએ બાંધેલા પહેલા ડેમની બે પ્રોડક્ટ. 
માયસોર પાસે ચિક્કાબેલ્લાપુર નામના એક નાના ગામમાં તમિલ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા એમવીના પિતા સંસ્કૃતના વિદ્વાન પણ દીકરાને મોટો થતા જોયા પહેલા જ સિધાવી ગયા.  ગરીબ ઓશિયાળી માતા, પણ એમવી નસીબદાર કે કાકાએ એમના શિક્ષણમાં કચાશ ન રાખી.  તેજસ્વી એમવીને નાનપણથી બનવું હતું એન્જીનીયર. પરિવાર ગરીબ , એવા પૈસા જ નહીં કે એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લઇ શકે. એક તબક્કે  પોતે આગળ ભણી શકે એ આશા એમવી ગુમાવી બેઠા હતા. એમની પાસે એકમાત્ર વિકલ્પ હતો પિતાની જેમ કર્મકાંડ કરવા, સંસ્કૃતના સ્કોલર બનવું કે પછી ગમે ત્યાંથી નાણાંનો જોગ કરવો.
વિશ્વસરૈયાનું જન્મસ્થળ , હવે ત્યાં એમની યાદમાં મ્યુઝિયમ છે.નંદી હિલ્સ પાસે બેંગ્લોરથી 40 કી.મીના અંતરે છે  
નસીબ એમની સાથે હતું , કાકા પિતાની જવાબદારી ઉપાડી લે તેવા મળ્યા. એમને એમવીને ભણાવવામાં કોઈ કસર ન છોડી છતાં ક્યાંક તો કમી રહી જતી હતી, નાણાંની.  પણ એક વધુ પ્રયત્ન કરી જોયો , એમવી પોતાના જ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓને  ટ્યુશન આપતા ,ને એ પૈસા ભેગા કરી બેગ્લોરની સેન્ટ્રલ કોલેજમાં  એડમિશન લીધું. પછી સ્કોલરશીપ મળતી ગઈ ને ભણતાં ગયા. નાશિકમાં સહુ પહેલી જોબ, આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે, એ પછી એમની પ્રગતિ થતી રહી.
કર્ણાટકને મૈસુર, દક્ષિણ ભારતના વિકસિત અને સમૃદ્ધ પ્રદેશ બનાવવા માટે જો કોઈએ  ઉત્તમ યોગદાન આપ્યું તો એ એમવી છે.  
જ્યારે ભારત સ્વતંત્ર નહોતું, તે વખતે કૃષ્ણસાગર  ડેમ, ભદ્રાવતી આયર્ન એન્ડ સ્ટીલ વર્કસ, મૈસુર ચંદન તેલ અને સાબુ કારખાનું (માયસોર સેન્ડલ સોપ તો હજી એટલો જ મશહૂર છે), મૈસુર યુનિવર્સિટી, માયસોર બેન્ક  જેવી  સિદ્ધિઓ, એમને નામે બોલે છે એટલે  તેથી જ તેમને કર્ણાટકના ભગીરથ  કહેવામાં આવે છે.

 માત્ર 32 ની ઉંમરે સિંધુ નદી પાણી સુક્કુર નગરને પાણી  સપ્લાય માટે બનેલી એક કમિટીમાં એમને સ્થાન મળ્યું , આ માટે, એમવીએ નવી બ્લોક સિસ્ટમની શોધ કરી. તેમણે સ્ટીલના દરવાજા બાંધ્યા જે ડેમમાંથી પાણીના પ્રવાહને રોકતા હતા , તે સમયે આ એકદમ નવલ પ્રયોગ હતો , તેમની આ શોધ પર બ્રિટિશરો આફ્રિન થઇ ગયા..આજે આ સિસ્ટમનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે. 
આ પછી તેમને મૈસૂરના મુખ્ય ઇજનેર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તે સમયે રાજ્યની સ્થિતિ ખૂબ ખરાબ હતી. નિરક્ષરતા, ગરીબી, બેરોજગારી, તબીબી સારવાર જેવી કોઈ વ્યવસ્થા નહોતી, સિંચાઈ માટે વરસાદના પાણી પર અને ખેતીના પરંપરાગત સાધનોનો ઉપયોગ પર આધાર રાખવો  સામાન્ય  હતું .આ સમસ્યાઓને ઉકેલવા માટે, એમવીએ આર્થિક પરિષદની રચના કરવાની સૂચન કર્યું. મૈસૂરમાં કૃષ્ણરાજસાગર બંધ બનાવ્યો. કૃષ્ણસાગર ડેમનું  બાંધકામ થયું ત્યારે દેશમાં સિમેન્ટ બનતી નહોતી. પણ, એ બદલે  મોર્ટારનો ઉપયોગ થયો છે. જે વિદેશમાં મળતી સિમેન્ટ કરતા વધુ મજબૂત હોવાનું કહેવાય છે.ઈ.સ 1912માં  મૈસુરના મહારાજા દ્વારા મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી . 
એમવી શિક્ષણના મહત્વને સારી રીતે સમજતા હતા, લોકોની ગરીબી અને મુશ્કેલીઓનું મુખ્ય કારણ એ હતું  નિરક્ષરતા . તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે મૈસુર રાજ્યમાં સ્કૂલની સંખ્યા 4,500 થી વધારીને 10,500 કરી હતી. આ સાથે, વિદ્યાર્થીઓની સંખ્યા 140,000 થી 3,66,000 સુધી પહોંચી હતી. મૈસૂરમાં કન્યાઓ માટે એક અલગ છાત્રાલય અને પ્રથમ પ્રથમ ગ્રેડ કોલેજ (મહારાણી કોલેજ) ખોલવા માટે  પણ એમને જ  શ્રેય આપવામાં આવે છે. તે દિવસોમાં મૈસુરની તમામ કોલેજો મદ્રાસ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. તેમના કારણે મૈસુર યુનિવર્સિટી અથક પ્રયત્નો કે જે દેશના સૌથી જૂની યુનિવર્સિટીઓ પૈકી એક  સ્થાપના કરી હતી. આ ઉપરાંત, તેમણે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા વિદેશમાં જવા માટે શિષ્યવૃત્તિની ગોઠવણ પણ કરી હતી. તેમણે કૃષિ, એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક કોલેજો પણ ખોલી હતી .
એક તરફ એમવીનું સમાજમાં દબદબાભર્યું સ્થાન ને પણ કુટુંબ જીવન જુવો તો શૂન્ય. એક પત્ની લાંબી માંદગીમાં ગુજરી ગઈ, બીજીનું પણ નિધન થયું ને ત્રીજી પત્ની સાથે માનસિક સાયુજ્ય જ ન સાધી શકાયું  . છતાં દૂર રહીને એક પતિની ફરજો નિભાવી હતી. 
કહે છે ને કહીં  કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા  ... 

 ઉદ્યોગ દેશના પ્રાણ  માનવામાં આવતા એમવીએ ,1935 માં મૈસૂરમાં ઓટોમોબાઈલ અને એરક્રાફ્ટ ફેક્ટરીની  આ દિશામાં કામ શરૂ કર્યું હતું. બેંગ્લોર સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ અને મુંબઇના પ્રીમિયર ઓટોમોબાઇલ ફેક્ટરી તેમના પ્રયાસોનું પરિણામ છે. 1947 માં, તેમણે ઓલ ઇન્ડિયા મેન્યુફેકચરિંગ એસોસિએશનના પ્રમુખ બન્યા. તેમણે ઓરિસ્સા નદીઓના પૂરમાંથી છુટકારો મેળવવા માટે એક અહેવાલ સુપરત કર્યો. આ અહેવાલના આધારે, હીરાકુંડ અને અન્ય ઘણાં ડેમ નિર્માણ થયા છે   .
એમવીનો સિદ્ધાંત હતો આયોજિત રીતે કોઈ પણ કાર્યને પૂર્ણ થવું જ રહ્યું. પંચવર્ષીય યોજના વિષે હવે બધા જાણે છે પણ એ યોજનાનો આવિષ્કાર કરનાર એમ વી , જો કે આ સિદ્ધિ એમને નામે ચઢી નથી. વિશ્વમાં પંચવર્ષીય યોજના અમલી કરી રશિયાએ. 1928 માં સૌપ્રથમ વખત રશિયાએ આનું મહત્વ સમજ્યું અને પ્રથમ પાંચ વર્ષના આયોજન તૈયાર કર્યું. પરંતુ વિસ્વેશ્વરયાએ આ યોજના આઠ વર્ષ પહેલાં એટલે કે 1920 માં રીકંસ્ટ્રકટીન્ગ  ઇન્ડિયા નામના  પુસ્તકમાં લખી હતી . વધુમાં, 1935 માં, ભારત માટે આયોજિત અર્થતંત્ર પણ લખવામાં આવ્યું હતું.  ભારતની પહેલી પંચવર્ષીય યોજના ઇ.સ 1951-56 માટે અમલમાં આવી.
એ ઉપરાંત આયોજન પર ઘણા પુસ્તક લખી રહ્યા હતા ત્યારે એમની ઉંમર હતી 98 વર્ષ, 101 વર્ષે એ નિધન પામ્યા ત્યાં સુધી એમનું કામ સતત ચાલુ હતું. 
1952માં પટનાગંગા નદી પર પુલ બાંધવા સાઈટ જોવા ગયા તે વખતે એમની ઉંમર હશે 92 વર્ષ , સાઈટ પર વાહન જાય એવી સ્થિતિ નહોતી. ઉપર આકરો તાપ છતાં એ સાઈટ પર પગપાળાં પહોંચી ગયા , આ એક મિસાલ એમની નિષ્ઠાની.ઉંમર થઇ છતાં કામ કરે રાખતા એટલે કોઈએ એમને પૂછે કે તમને ઘડપણનો થાક નથી વર્તાતો ?એ વાત પર એમવી કહેતા કે ઘડપણ ટકોરા મારતું આવી તો જાય છે પણ હું કહું છું એમવી ઘરે નથી બહાર ગયા છે. 
એક વાત નક્કી એ છે કે એમવી ક્યાંક વિસરાઈ ગયા છે. એમની જન્મતારીખને એન્જીનીયર ડે જાહેર કરાયો છે , સ્ટેમ્પ પણ બહાર પડી છે પણ યંગિસ્તાનના સિલેબસમાં સમાવા જોઈએ એ કામ નથી થયું  . 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...