આવજો સોનલબેન ...

 


સોનલ શુક્લ , એક વ્યક્તિત્વ જેને મળવાથી પ્રભાવિત તો થઇ જ જવાય. પત્રકારત્વના વર્ષો દરમિયાન મળવાનું થયું પણ ઘણું ખરું પાછળ વર્ષોમાં. સમાચાર માટે કોલમ લખવી એવો આગ્રહ મારો હતો. પહેલા તો લાગ્યું કે નહીં જ લખે પણ ફોન પર થતી વાતચીત પછી માની ગયા . ત્યાં સુધી હું તેમને મળી પણ નહોતી. પત્રકારત્વમાં હોવું અને સોનલ શુક્લને રૂબરૂ ન મળ્યા હો એ વાત થોડી અજુગતી છે. નામ અને કામથી તો વર્ષોથી પરિચિત હતી. હું જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસમાં હતી ત્યારે એમની સમકાલીનમાં આવતી કોલમ અને ગાંધી સાહેબ વાતચીતમાં  સોનલબેનને વુમન લિબેરશનવાળા કહીને ટાંકતા. 

વુમન લિબેરશનવાળા , વાચાના સંચાલિકા પણ સોનલબેનને મળો તો લાગે કે એ સંપૂર્ણતઃ વિદુષી છે. એમના કોઈ અભિગમમાં પુરુષદ્રેષી વાત ફક્ત કરવા ખાતર ન હોય. તમામ વિષયો પર એમની વાતો અને અભિપ્રાય એકદમ ઠોસ વજૂદવાળા. 
નિકટના સંપર્કમાં આવ્યા પછી નિયમિત બે વાર તો મળવાનું નક્કી રહેતું. એક નવા વર્ષે અને એક તેમના જન્મદિને 12 જુલાઈ એ.

એ સમયે લગભગ મોટાભાગના મિત્રો હાજર હોય. ખાણીપીણી ને વાતોનો દોર પૂરો જ ન થાય. 

કોવિડ ના કારણે એના પર બે વર્ષથી બ્રેક લાગી ગઈ હતી. એ દરમિયાન સોનલબેન પોતે પણ કોવિડગ્રસ્ત થઇ હોસ્પિટલ જઈ આવ્યા. ગઈ જુલાઈની 12મી તારીખે ફરી મળવાનું થયું. એમના 80મા જન્મદિને. 
એ પ્રોગ્રામ અચાનક જ નક્કી થયેલો. સવારે મીનળ પટેલનો ફોન આવ્યો કે સાંજે મળીશું . જુલાઈ મહિનો ને મુંબઈનો વરસાદ. જો કે એટલો મુશળધાર નહોતો પણ મેટ્રોના કારણે રસ્તા ઠેકઠેકાણે બ્લોક , હું કોવિડ કાળમાં લગભગ બે વર્ષ સુધી બહાર નીકળી નહોતી એમાં પણ સબર્બમાં તો જવાનું જ નહોતું. અને હા, ચશ્મા પણ ભૂલી ગયેલી. 

એ સાંજ એટલી ભૂખરી હતી કે જાણે બ્લેક આઉટ થયો હોય. બાકી હોય તેમ મેટ્રોને કારણે ઉભી કરેલી આડશમાં રસ્તો સૂઝે નહીં . હેતલ ને મીનળબેન ફોન પર સૂચના આપે રાખે છતાં ગોટે ચઢી ગઈ. એટલી ગરબડ થઇ કે વિચાર કર્યો કે ખુબ મોડું થઇ ગયું છે એટલે જવાનો અર્થ નથી , એના કરતાં ઘરે પાછી વળી જાઉં. પણ, એવી અવઢવમાં ફાઈનલી  પહોંચી ગઈ. 

મને આવેલી જોઈએને સોનલબેનનું પહેલું રિએક્શન હતું કે , તું સાચે આવી ખરી , મને તો એમ કે તું ઘરે બેઠી બેઠી ફોન કરે જાય છે કે હું હવે પછી જાઉં છું . 
આ સોનલબેન, સીધું ને સટ પરખાવી દે પણ દિલના સાફ. 

કોવિડ દરમિયાન મને ફોન આવ્યો , શું ચાલે છે આજકાલ ? શું લખે છે ? મારી પાસે કોઈ ઉત્તર નહોતો. વાતાવરણ એટલું ડિપ્રેસિવ હતું કે ઘરમાં બેઠાં બેઠાં ખાવાને ઊંઘવા સિવાય કશું થતું નહોતું. ડિપ્રેશન પણ દસ્તક દઈ રહ્યું હતું. 

સોનલબેને વર્દી આપતાં હોય તેમ કહ્યું , મને બે નવલકથા જોઈએ. લખશે ને ?
મારા મનમાં કોઈ વિચાર સુધ્ધાં નહોતો પણ સોનલબેને કહ્યું એ મારે માટે મોટી વાત હતી. મેં કામ કરવાનું શરુ કર્યું . ત્રણ ચાર વર્ષથી મુંબઈ પર પુસ્તક માટેની માહિતીઓ એકત્ર કરી રહી હતી તેને ડ્રાફ્ટ કરવાનું શરુ કર્યું. જો એમને ટકોર ન કરી હોતે તો એ પુસ્તક થયું જ ન હોત. એમને કહ્યું તે પ્રમાણે નવલકથા પણ લખાઈ જે પ્રકાશિત નથી  કરી શકી. 

એવા સોનલબેન આજે આપણી વચ્ચે નથી. આપણે જાણીએ છીએ કે જે આવ્યું છે એને જવાનું જ છે પણ આ સત્ય એટલી સહેલાઈથી પચાવી શકાતું  નથી. 

અલવિદા શબ્દ જ ભારે  પીડાદાયક  છે. 

આવજો સોનલબેન , તમે હંમેશા સ્મૃતિમાં રહેશો. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....