Ladies Special

આજકાલ  આપણો  મોસ્ટ ફેવરીટ એવો અક્ષયકુમાર સેનેટરી નેપકીન વિશેની વાત કરી રહ્યો છે. પેડમેન ફિલ્મ આવી રહી છે એટલે સ્વચ્છ ભારત અને હાઇજીન વિષે કેળવણી નિઃશંકપણે જરૂરી છે. જે આપણે ત્યાં તો છે જ નહીં  . ગંદકી અને કામચોરી ભારતીય માનસમાં જાણે અજાણે એવા સેટ થઇ ગયા છે કે એમાં કોઈને નવાઈ પણ નથી  લાગતી  .

આ સમયે પ્રશ્ન એ થાય છે કે  વિશ્વમાં કયો સમાજ સૌથી સુસંસ્કૃત?
પહેલા આ  પ્રશ્ન થતો ત્યારે એક જ ઉત્તર મળતો, જે સમાજમાં પેપરનો ઉપયોગ સૌથી વધુ થતો હોય તે.

એટલે કે જે સમાજમાં અખબારથી લઇ પુસ્તકો વધુ વંચાય તે સમાજ સ્વાભાવિકપણે ઉચ્ચ કક્ષાનો હોવાનો. પણ, દરેક સમયને પોતાના નવા પરિમાણ હોય છે. જેમ કે હાલ સમય છે પેપરલેસ ઓફિસનો. નાનામાં નાની વાતોમાં કાગળનો, પાણીનો બચાવ કઈ રીતે કરવો તે હવે બાળકોને સ્કૂલમાંથી , નાનપણથી શીખવવું જરૂરી છે એમ સમજાતું થયું છે પણ છેલ્લાં દોઢ દાયકામાં આ પરિસ્થિતિ બદલાઈ ચુકી છે. આજે કાગળનો વેડફાટ અને બિનજરૂરી વ્યય કરનારાં લોકો હોય કે માધ્યમોને વક્રદ્રષ્ટિથી જોવામાં આવે છે. એમ કેમ ? એનો ઉત્તર છે માનવજાતે કરેલી ડિજીટલ ક્રાંતિ. એ ક્રાંતિએ કાગળ બચાવી શકાય એ એક પર્યાય આપ્યો અને કાગળ બચાવવો એટલે પાણી અને વૃક્ષ બચાવી પર્યાવરણનું જતન કરવું . પણ, આ જ સમયની એક વરવી બાજુ જુઓ. જે સભ્યસમાજમાં હવે કાગળ , પાણી , વીજળીના બચાવ માટે અભિયાન ચાલે છે બીજી તરફ સુધરેલા હોવાના માપદંડ તરીકે સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતીક લેખાવાય છે સેનેટરી નેપકીન્સને.

એક સમય એવો હતો કે આ પ્રોડક્ટની કોઈ ઓળખ જ નહોતી. વિદેશમાં ખરી પણ ભારતમાં તો નહીં જ. સદીઓથી બહેનો પરંપરાગત એવા જૂનાં કપડાં તે માટે વાપરતી. એ માટે ઠોસ કારણ પણ હતા. એક તો ઇન્ડિયામાં સેનેટરી નેપકીન્સ મળતાં જ નહીં અને બીજું કે મળતાં થયા ત્યારે કિંમત ભારે આકરી લાગતી. પરંતુ છેલ્લા થોડાં દાયકામાં રહેલાં કન્ઝ્યુમરીઝમના સમયમાં એ કિંમત મોંઘી લાગતી નથી , બલકે એ ક્ષેત્રે વધુ હરીફાઈ થવાથી કિંમત નીચે પણ આવી અને સસ્તી મોંઘી ઘણી રેંજ મળતી થઇ છે અને એટલે જ હવે જૂની રીત પ્રમાણે કપડાં વાપરવા ઓલ્ડ ફેશન લેખાતું ચાલ્યું છે. ઇન્ડિયામાં વિશાળ માર્કેટે મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીઓને બખ્ખાં તો કરાવી આપ્યા ત્યાં સુધી તો વાત સમજાય એવી હતી પણ એક મહામોટી સમસ્યા નિર્માણ કરી દીધી છે. જેનાથી મોટાંભાગના લોકો અજાણ છે.



જો ક્યારેક દિલ્હીના ભલ્સ્વા વિસ્તારમાં જવાનું થયું હોય તો કદાચ આ પરિસ્થિતિનો સાચો ચિતાર આવી શકે. અલબત્ત , એવું જરૂરી નથી કે એ માટે આ જ વિસ્તારની મુલાકાત લેવી પડે. જ્યાં નગર હોય ત્યાં ઉકરડો તો હોય જ એ કહેવતને ન્યાયે પણ દરેક શહેરમાં વત્તે ઓછે અંશે પરિસ્થિતિ આવી જ હોવાની, પણ અહીની વાત એટલે નોંધનીય છે કે આ વિસ્તારમાં એક મહાકાય ઝુંપડપટ્ટી તો છે જ અને તે છે એક અનોખા ડુંગર નજીક. આ ડુંગર અનોખો એટલે છે કે ન તો એ સામાન્ય ડુંગર જેવો પથરાળ છે કે ન લીલોછમ છે, એ તો છે કચરાનો ડુંગર. આખેઆખો કચરાનો ડુંગર . જે માટે દિલ્હી કોર્ટના હુકમોની પણ ઐસીતૈસી થતી રહે છે. આ ડુંગર જો કૂડાકચરાનો જ હોય તો કોઈ ત્યાં કોઈ જતું હશે ખરું ? જો એવો પ્રશ્ન થતો હોય તો જવાબ છે , હા. એક આખી ઈકોનોમી અહીં નભે છે. એ લોકોને રોજગાર મળે છે જેમનું કામ છે કચરામાંથી રીસાઈકલ થઇ શકે તે ચીજવસ્તુ શોધીને વેચવાનું .

નકામી ખાલી બોટલ, ડબ્બા, ટીન ,બેટરીઓ ન જાણે આવું બધું તો કેટકેટલું . પણ એ શોધવા માટે આ અભાગિયા લોકોને ફેંદવા પડે છે એંઠવાડથી લઇ મરેલાં જાનવરના સડી ગયેલા મૃતદેહ અને મહિલાઓ દ્વારા વપરાયેલાં સેનિટરી નેપકીન્સ. સહુથી મોટી મુસીબત તો એ થાય છે કે મૃત પ્રાણીઓના શરીર નજરે ચડતાંવેંત લાકડીથી દૂર કરી દેવાય છે પણ આ નેપકીન તો અચાનક હાથમાં આવી જાય ...... અને હા, એક મહત્વની વાત આ કામ પણ મોટાભાગે સ્ત્રીઓ જ કરે છે, પુરુષો નહિ.
એટલે આ કચરો ફેંદતી મહિલાઓને રહી રહીને એક જ પ્રશ્ન થાય છે કે બીજું કંઈ નહીં પણ આ સુધરેલી બાઈઓને એમ નહીં થતું હોય કે આ મલિનતા કશાકમાં વીંટીને ફેંકે?

સમાજની આ બહેનોના હિતમાં કામ કરતી સંસ્થાઓ જયારે આ પ્રશ્ન ભણેલી ગણેલી ઉપભોક્તા મહિલાઓને કરે છે ત્યારે એમને રેડીમેડ રીફાઈન્ડ જવાબ મળે છે : પ્લાસ્ટિક તો વપરાય જ નહિ ને ? પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેવું હાનિકારક છે કોણ નથી જાણતું ?
જયારે આવો જવાબ મળે ત્યારે હસવું, રડવું કે જવાબ આપનારની બુદ્ધિની દયા ખાવી એ જ ન સમજાય.

પ્લાસ્ટીકનો નક્કર વિરોધ કરનારાઓને કોણ સમજાવે કે બજારમાં મળતાં મોટાભાગના નામી બ્રાન્ડેડ સેનિટરી નેપકીન્સ ક્રુડ ઓઈલ પ્લાસ્ટિકમાંથી બનેલાં હોય છે, જે નષ્ટ થવામાં વર્ષો લાગે છે. એટલે કચરો છૂટો પાડનારા કામદારો પર નહિ બલકે પર્યાવરણ પર ભયંકર અસર કરે છે. વોશરૂમ હાઈજીન કન્સેપ્ટ નામની સંસ્થા દાવો કરે છે તે પ્રમાણે તો આ નેપકીન્સ સંપૂર્ણપણે નાશ પામે એવી કોઈ શક્યતા જ હોતી નથી. એટલે પર્યાવરણની વાત કરનાર બહેનોએ આ વાત તો ચોક્કસપણે ધ્યાનમાં રાખવી જોઈએ .

ઇન્ડીયામાં માત્ર 12 ટકા મહિલાઓ આ પેડ્ઝ વાપરે છે. 


પશ્ચિમી દેશોમાં આ સમસ્યા વર્ષોથી હતી અને તેમણે એનો રસ્તો શોધ્યો અનોખી રીતે , જેમ નુકસાનકારક માલસામાન ખાદ્યપદાર્થો ગરીબડાં દેશોને દાન ધર્માદા તરીકે કે પછી ઓછે ભાવે પકડાવી દેવાય ત્યારે સાથે સાથે એમને ત્યાં ડમ્પિંગ ગ્રાઉન્ડ માટેની જોગવાઈ પણ કરી લેવાય . ભારતમાં તો આ વાત છે નહીં . અત્યાર સુધી ખાસ કરીને આ પ્રકારના કચરાનું પ્રમાણ પણ નગણ્ય ટકાવારીમાં હતું .પણ છેલ્લાં એક જ દાયકામાં પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે. હવે આપને ત્યાં શિક્ષિત હોવું એ વાત ને સેનેટરી નેપ્કીન્સના વપરાશ સાથે જોડી દેવામાં દેવામાં આવી છે. તે છતાં પરિસ્થિતિ આશ્વાસનરૂપ છે કારણકે હજી ઇન્ડીયામાં માત્ર 12 ટકા મહિલાઓ આ પેડ્ઝ વાપરે છે. જો કે એ ટકાવારી, વધતી જાય છે. ટીવી પર આવીને જાણીતી ફિલ્મસ્ટાર કે સ્પોર્ટ્સ પર્સનાલિટી આખી આ વાતને આધુનિકતા સાથે , શિક્ષણ અને સ્વતંત્રતા સાથે જોડે તો પછી એની માનસિકતા પર થતી અસર કલ્પી શકાય છે.

ભારતમાં માત્ર 12 કે 13 ટકા મહિલાઓ પણ જો આ પેડ્ઝનો વપરાશ કરતી હોય તો ગણિત માંડી જોવા જેવું છે. એક સામાન્ય સ્ત્રી પોતાના 35થી 40 વર્ષના પ્રજનનકાળમાં લગભગ આઠ થી દસ હજાર નેપકીન્સનો વપરાશ કરે તો હિસાબ માંડો, એ હિસાબે પ્રતિ કલાક એક કરોડ નેપકીન્સ કચરામાં ઠલવાય છે, જે એક નેપ્કિનને સંપૂર્ણપણે નામશેષ થતાં લગભગ 500 વર્ષ લાગે છે.

કોઈ નેપકીન ઉત્પાદક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ સાથે બજારમાં ઉતર્યો નથી. તો જવાબદારી કોની?
ખરેખર તો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગના નિયમોમાં સ્પષ્ટતા થઇ છે તે પ્રમાણે જવાબદારી આ કંપનીઓની બને છે , પણ જવાબદારી અંગે નિયમનો બનાવવા એક વાત છે અને તે નિયમનોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચોંપ રાખી કડક પગલાં ભરાય બીજી વાત છે. વિદેશમાં આ માટે અતિશય ભારે દંડની જોગવાઈ છે જે વિષે આપણે ત્યાં કોઈ પ્રકારની જાગૃતિ પણ નથી. એટલે છેલ્લે થાય છે એમ કે આ કચરો સીધો સળગાવી દેવામાં આવે. કચરો રાખથી ગયો એટલે નદીનાળાં શુધ્ધ રહે અને પર્યાવરણ પણ એમ માની લેવું પણ ભૂલ છે. આ કચરો જયારે સળગે ત્યારે એમાંથી જે ગેસ વાતાવરણમાં ભલે છે તે કેન્સર જેવી બીમારી નોતરે છે.

તો તો પછી સમાધાન શું?


એવો પ્રશ્ન થાય તો ઉત્તર તો છે પણ કદાચ મોટાભાગના વાચકોને નહીં ગમે. સમાધાન છે આપણી જૂની પધ્ધતિ પાસે. જેને ટીવી એડ્ઝ એકદમ દેશી જૂનવાણી રીત તરીકે દર્શાવી ઉતારી પાડવાનો પ્રયાસ કરે છે તે. સામાન્ય રીતે સ્વચ્છ કપડાંનો વપરાશ, જે સરખી રીતે ધોઈને ફરી ફરી વપરાય છે, જેજેમ જૂના સમયમાં આપણી મા દાદી નાની વાપરતાં. હા, બેશક એ થોડું અગવડદાયક કામ ખરું , જો એટલું પણ ન કરવું હોય તો ઘણી ઇન્ડિયન કંપનીઓ આ પ્રકારના પ્લાસ્ટિક વિનાના , બાયોડીગ્રેડેબલ ટાઇપના નેપકીન્સ બનાવે છે, અને તે એકથી વધુવાર વપરાશમાં પણ લઇ શકાય  . અમારા એક રોટેરીયન મિત્ર જયશ્રી શેનોય આ માટે અતિ સક્રિય રોલ ભજવે છે. મહારાષ્ટ્રમાં વાડામાં આનું ઉત્પાદન પણ નાના પાયે થાય છે. 

આજકાલ વિશ્વભરમાં આ સમસ્યાએ માઝા મૂકી છે, દરેક નાગરિક અને સરકાર ઈચ્છે છે કે તેમનો દેશ  આ ગંદકીથી દૂર રહે એટલે નવા પર્યાયરૂપે હવે મેન્સ્ટ્રુઅલ કપ્સ મળે છે. જે  સિલિકોનમાંથી બને છે. બાળકોને દૂધ પાવા માટે વપરાતી સિલિકોન નીપલ જેવા જ, જે વર્ષો સુધી સાફ કરીને વાપરી શકાય છે.


દુર્ભાગ્યવશ આ વિષે  જાણકારી આપી ને પર્યાવરણ બચાવવાનું મીડિયાને સમજાતું નથી એટલે એ વિષે ખાસ જાગૃતિ નથી. તેથી ઉપભોક્તા સુધી પહોંચતા નથી એટલે એનું વેચાણ પણ મર્યાદિત રહે છે અને તે કારણે તેમને મોંઘી ટીવી જાહેરખબરો પોષાતી નથી. આ વિષચક્ર પણ ભારે પેચીદું છે. માન્યું કે પર્યાવરણની જાળવણીની જવાબદારી સરકારની છે પણ જો એ બગડવાનું નિમિત્ત આપણે બનતાં હોઈએ તો માત્ર સારાં નાગરિક તરીકે નહીં પણ પાપના પ્રાયશ્ચિતરૂપે તો નિભાવવી રહીને ??

સૌથી સારી વાત છે આ વિશેની જાગૃતિની , હવે અક્ષયકુમાર બાયોડિગ્રેડેબલ પૅડ્સની વાત કરે કે  કપ્સની કે પછી માત્ર સ્ત્રીઓના ફ્રીડમ સાથે પર્યાવરણનો મુદ્દો વિસરાઈ ગયો છે  એ તો ફિલ્મ જઈએ ત્યારે ખબર પડે.


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...