ઉંબરા જયારે ડુંગરા થાય ..... આ ઘડપણ કોણે મોકલ્યું ?

જિંદગી ઘણીવાર એવા વળાંક પર આવીને માનવીને ઉભા રાખી દે કે એ પરિસ્થિતિ માટે ખુશ થવું કે દુઃખી થવું એ જ ન સમજાય. એવું જ કઇંક હમણાં થયું. 19મી ઓગસ્ટ હતો ફોટોગ્રાફી ડે, એ નિમિત્તે બીબીસીએ ફોટો જર્નલિસ્ટ પાસે પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ મંગાવ્યા હતા.પ્રેસ ફોટોગ્રાફરોએ પોતાની કારકિર્દી દરમ્યાન બનેલા પિક્ચર્સ મોકલ્યા એમાં એક વાત બની. એક તસ્વીર હતી દાદી દીકરીના મિલનની  . ફોટોગ્રાફર કલ્પિત ભસેચ દ્વારા શેર કરાયેલી  .
તસ્વીર હતી  વૃદ્ધાશ્રમમાં રહેતા દાદી અને તેમની પૌત્રીના આકસ્મિક મિલનની. 
19 ઑગસ્ટ, 2018 પછી આ તસવીર રાષ્ટ્રીય કક્ષાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ  છે. ક્રિકેટર હરભજન સિંઘ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોએ આ ફોટોગ્રાફને રિ-ટ્વીટ પણ કર્યો છે.
આ તસવીર હાલમાં બીબીસી સાથે કામ કરતા અમદાવાદના સિનિયર ફોટો જર્નાલિસ્ટ કલ્પિત ભચેચે ખેંચી હતી. આ તસવીર કેવી રીતે ખેંચવામાં આવી હતી તે વિશે એમણે કહ્યું કે 2007ની સાલમાં એમને મોબાઈલ ફોન પર મણિનગરની GNC સ્કૂલનાં પ્રિન્સિપાલ રીટાબેન પંડ્યાનો ફોન આવ્યો.

પ્રિન્સિપાલે કહ્યું કે  તેમની શાળાનાં બાળકોને સાથે વૃદ્ધાશ્રમની મુલાકાતે જઈ રહ્યા છે એ સ્ટોરી કવર કરી શકો ? આમ પણ પત્રકારો human interest story કાયમ શોધતા જ હોય છે. કલ્પિત પણ એમના એક હશે. એટલે એ  ઘોડાસર સ્થિત મણિલાલ ગાંધી વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા.
સ્કૂલમાં ગયા ત્યારે જ્યાં એક એક તરફ બાળકો અને સામે વડીલો બેઠાં હતાં. ફોટોગ્રાફ સારા આવે એટલે બેઠક બદલાવી જરૂરી હતી. બાળકો ઊભાં થયાં ત્યાં જ તેમનામાંથી એક વિદ્યાર્થિની વડીલો તરફ જોતાં જ રડી પડી.
Image copyright
Image copyright
સૌના આશ્ચર્ય વચ્ચે સામે બેઠેલાં એક વૃદ્ધા પણ ભાંગી પડ્યાં. એ છોકરી દોડીને તેમને ભેટી પડી. આ દૃશ્ય જોઈ  સૌ અવાક્ બની ગયા.
કલ્પિતનું કહેવું હતું કે તેમની તસવીરો લીધા બાદ જ્યારે મેં પૂછ્યું ત્યારે ખબર પડી કે છોકરીના કહેવા પ્રમાણે આ માજી એના દાદી હતા. હકીકત એ હતી કે છોકરી પોતાના દાદી તો બહારગામ ગયા હોવાનું સમજી રહી હતી કારણ કે ઘરમાં માબાપે સંતાનો સામે એ જ વાત ચલાવી હતી. પછી તો બાએ પણ કહ્યું કે એ બાળકી તેમની લાડકી પૌત્રી છે. આ મિલન કેટલું કરૂણ કે પછી સુખદ હોય શકે એ તો એના અંત પાર આધાર રાખે છે ને !!
પત્રકારત્વનું , પત્રકારોનું દુર્ભાગ્ય એવું છે કે ગમે એવી સારી કે નરસી સ્ટોરી મળી હોય એનું ફોલો  કરવું મુશ્કેલ હોય છે. આ વાત છે 2007ની.  પ્રકાશમાં આવી છેક અત્યારે એટલે કે પૂરા 11 વર્ષ પછી.
એ સમયે સોશિયલ મીડિયા અસ્તિત્વમાં નહોતું એમ નથી , પણ આટલું લોકપ્રિય ને લોકભોગ્ય બન્યું નહોતું ,નહીંતર ત્યારે  આ માજીને ન્યાય મળતે. 
આજે તો આ કિશોરી પણ યુવતી થઇ ગઈ છે, જયારે આ તસ્વીર વાઇરલ થઇ એટલે તમામ અખબારોએ પોતાના રિપોર્ટર આ દિશામાં દોડાવ્યા. ત્યારે ખબર પડી કે આ છોકરીનું નામ છે ભક્તિ પંચાલ ને દાદીનું નામ છે દમયંતી પંચાલ, અલબત્ત ત્યારની અને આજની વાતમાં ફર્ક નથી. દાદી આજે પણ એક વાતને વળગી રહ્યા છે કે એ પોતાની મરજીથી આ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા. શક્ય છે કે પરિસ્થિતિ એટલી વણસી હશે કે માજીને કોઈ સંજોગમાં દીકરાને ઘરે પાછા ફરવું દુષ્કર બની ગયું હશે. આજે પણ ભક્તિ પોતાની દાદીને મળવા વૃદ્ધાશ્રમમાં જાય છે એ રિપોર્ટ જાહેર થઇ ચુક્યો છે. પણ, આ આખી વાત સમાજ સામે એક લાલબત્તી તો ધરે જ છે. 
પત્રકાર તરીકે આવા કેટલાય કિસ્સા સામે આવે ત્યારે સૌથી વધુ કઠિનાઈ તો ત્યારે થાય કે તદ્દન બેહાલ, નોંધારી અવસ્થામાં રહેલા માબાપ પત્રકારોને આવી સ્ટોરી ન  છાપવા વિનંતી કરતા હોય એવું જાતે અનુભવ્યું છે. કારણ ? કારણ એમના સંતાનોની સમાજમાં બેઇજ્જતી થાય. એમને નીચું જોવું પડે. 
હવે તો માતાપિતાની અવહેલના કરવા બદલ સજાની જોગવાઈ થઇ છે છતાં એના અમલ બજવણી તો આખરે લોકોના જ હાથમાં છે ને !
એક ગુજરાતી કહેવત કદાચ એટલે જ છે દીકરી મોટી થાય તે પહેલા પહેરી ઓઢી લેવું ને વહુ આવે એ પહેલા ખાઈ પી લેવું  . એક બાજુ આપણે માનીએ કે જમાનો બદલાયો છે પણ ખરેખર જમાનો બદલાયો છે ? 
જ્યાં સુધી નાણાંનો વહીવટ હાથમાં હોય ત્યાં સુધી સબ સલામત પણ જે દિવસે બીજાના ગારાના મારા તો સોનાના માનીને જો નાણાકીય વહીવટ, જમીન જાગીર સંતાનોને નામે કરી દીધા તો શક્ય છે તમે તમારી બેહાલીનો રસ્તો બનાવી દીધો સમજો.
દરેક સંતાનોને એક માપદંડથી માપવા ખોટી વાત છે , માન્યું , પણ કહેવાય છે ને ચેતતો નર સદા સુખી.
સૌથી મહત્વની વાત છે પોતાની આર્થિક , માનસિક, ભાવાત્મક ને શારીરિક સધ્ધરતા ને મક્કમતા , જો એ હશે તો જ પરવશ નહીં બનવું પડે બાકી તો  ...
કોણે મોકલ્યું આ ઘડપણને એવું વિચારવા કરવા એ પરિસ્થિતિ સામે ઝઝૂમવા મનથી મક્કમ થઇ જવાય તો પછી વૃદ્ધાવસ્થા જીરવવી અઘરી નથી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...